Header Ads

વ્યાકરણની વિભાવના અને ગુજરાતી વ્યાકરણ

વ્યાકરણની વિભાવના અને ગુજરાતી વ્યાકરણ 

ગુજરાતી વ્યાકરણ

ભાષાના બંધારણ અથવા વ્યવસ્થાતંત્ર વિશે તેને લગતા નીતિનિયમો વિશે ચર્ચા - વિચારણા કરતું શાસ્ત્ર. વર્ણ , શબ્દ કે પદ, વાક્ય, અર્થ અને શબ્દભંડોળ વગેરેનો વ્યાકરણના વિષયમાં સમાવેશ થાય છે . વ્યાકરણ દ્વારા ભાષાનો વર્ણનાત્મક રીતે અભ્યાસ કરવામાં આવે છે. સામાન્યત: દરેક ભાષાને શુદ્ધ અને સાચી રીતે બોલવા - લખવાના માર્ગદર્શક વિલણો કે નિયમો હોય છે.

પ્રથમ આવે વર્ણ . ગુજરાતી ભાષામાં જોઈએ તો ‘ક’, ‘મ', 'લ' વગેરે વર્ણો કે અક્ષરો છે. જુદા જુદા વર્ણો ભેગા કરવાથી શબ્દ બને; દા.ત., ‘કમલ', ‘કલમ’ વગેરે . શબ્દ કે શબ્દોને આધારે વાક્ય બને. શબ્દ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે તેને ‘પદ' કહેવામાં આવે છે. આ પદોને આગળ કે પાછળ પ્રત્યય પણ લાગે ને તેથી અર્થ પણ બદલાય. હવે જે વાક્યો છે તેમની વચ્ચે કેવો સંબંધ હોય છે તે વિશે પણ ચર્ચા થતી હોય છે. આ રીતે શબ્દો અને વાક્યોનું સ્પષ્ટીકરણ થાય છે. વળી દરેક ભાષાને પોતાનું શબ્દભંડોળ હોય છે. આ બધાંની ચર્ચાનો ‘વ્યાકરણ'માં સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ‘શબ્દાનુશાસન'નું કહેવાય છે . વ્યાકરણ ભાષામાંની નિયમબદ્ધતા તારવી બતાવે છે અને તેને અરાજકતાનો ભોગ બનતી બચાવે છે. આપણે ત્યાં પરંપરાગત રીતે વ્યાકરણને વેદના છ અંગોમાંનું એક અંગ ગણવામાં આવે છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ - એ વેદનાં અન્ય અંગો છે. વ્યાકરણના સારા જ્ઞાન વગર બાકીનાં અંગોનું જ્ઞાન અપૂર્ણ ગણાય છે. વ્યાકરણના અધ્યયન વગર વેદના મંત્રોનો શુદ્ધ ઉચ્ચાર થાય નહીં ને એમના અર્થ સમજાય નહીં. વળી સ્વરના ઉચ્ચારણમાં ફેરફાર થતાં અર્થનો અનર્થ પણ થાય. 

ભગવાન કાત્યાયને વ્યાકરણ શીખવાનાં મુખ્ય ચાર પ્રયોજનો ગણાવ્યાં છે : 1. શુદ્ધ ભાષાનું રક્ષણ, 2. સંક્ષેપમાં જ્ઞાન, 3. શુદ્ધ રૂપનો તર્ક અને 4. તે વિશે અસંદેહ, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાને પોતાનાં વ્યાકરણો છે. એ રીતે દરેક ભાષાને પોતાનું વ્યાકરણ હોય છે. 

ભાષાના મુખ્ય ઘટકો છે : શબ્દ અથવા પદ અને વાક્ય

ગુજરાતી વ્યાકરણ

શબ્દ કે પદને પ્રત્યય પણ લાગે. પ્રત્યય એ ભાષાનું સ્વતંત્ર ઘટક નથી પણ તે પદના મૂળ રૂપને જોડાયેલ હોય છે ને તેને અર્થ પણ હોય છે. જે પ્રત્યય મૂળ પદની આગળ લાગે તેને પૂર્વપ્રત્યય કહે છે; દા.ત., 'અણગમતું'માં ‘અણ’ એ પૂર્વપ્રત્યય છે. જે પ્રત્યય મૂળ પદની પાછળ લાગે તેને પરપ્રત્યય કહે છે; દા.ત., ‘બનાવટ’માં ‘બ + આ + વટ’ છે. અહીં ‘આ + વટ’ પર પ્રત્યય છે. પદના સંજ્ઞા, સર્વનામ તથા વિશેષણ; આખ્યાત એટલે કે ક્રિયાપદ તથા કૃદંત, ક્રિયાવિશેષણ, સંયોજક, અનુગ કે નામયોગી વગેરે વિભાગો હોય છે.

સંજ્ઞાના મુખ્ય બે વર્ગો પડે છે : 1. જાતિવાચક કે સામાન્ય સંજ્ઞા, 2. વ્યક્તિવાચક કે વિશેષ સંજ્ઞા 

ગુજરાતીમાં દરેક સંજ્ઞાને લિંગ હોય છે : પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. સામાન્ય રીતે દરેક સંજ્ઞાને ચોક્કસ લિંગ હોય છે. પણ કેટલીક સંજ્ઞાઓમાં એકથી વધુ લિંગ પણ હોય છે; દા.ત., 'ચા' ક્યાંક ‘ચા પીધી’ એમ સ્ત્રીલિંગમાં વપરાય છે તો ક્યાંક ‘ચા પીધો' એમ પુલિંગમાં બોલાય છે. એ જ રીતે લિંગ બદલાય તો અર્થ પણ બદલાતો હોય છે. દા.ત. ‘હાર’  પુલિંગમાં હોય તો એનો અર્થ ‘કંઠનું આભૂષણ' ને સ્ત્રીલિંગમાં તેનો અર્થ થાય ‘પરાજય'.

ગુજરાતીમાં બે વચન છે : એકવચન અને બહુવચન

સંજ્ઞાઓ સામાન્ય રીતે બંને વચનમાં આવી શકે છે, પરંતુ થોડીક સંજ્ઞાઓ કેવળ એકવચનમાં આવે છે; દા.ત. 'દયા’ , ‘ધિક્કાર' વગેરે . તો કેટલીક સંજ્ઞાઓ કેવળ બહુવચનમાં જ આવે છે; દા.ત., ‘ખબર’, ‘ઘઉં', ‘ગપાટા' વગેરે. સંજ્ઞા આખ્યાત આદિની સાથે સાત રીતે વિભક્તિ સંબંધોથી જોડાય છે. ક્યારેક આ વિભક્તિ સંબંધો વ્યક્ત કરવા ‘એ’, ‘ને’, ‘થી’, ‘માં’ જેવા પ્રત્યયો – અનુગોનો ઉપયોગ થાય છે. ક્યારેક અનુગોના બદલે નામયોગીઓ પણ વપરાય છે. અનુગો પદ સાથે જોડાયેલા બદ્ધ ઘટકો છે, જ્યારે નામયોગીઓ મુક્ત ઘટકો છે; દા.ત., ઘરને માટે, કિશોરને કારણે વગેરે. જ્યારે સર્વનામો સંજ્ઞાને સ્થાને આવે છે ત્યારે સંજ્ઞાની જેમ વર્તે છે. સર્વનામના વિવિધ પ્રકાર છે. સર્વનામ જે સંજ્ઞાપદને માટે વપરાયું હોય તેનું વચન અને તેનું લિંગ તે ધરાવે છે. ગુજરાતી ભાષામાં કેટલાંક વિશેષણો સર્વનામના જેવું સ્થાન અને કાર્ય દર્શાવી શકે છે. વિશેષ્યની સાથે આવે ત્યારે એ વિશેષણ બને છે અન્યથા તે સર્વનામનું કામ કરે છે. વિશેષણોના વિવિધ પ્રકાર છે. સંજ્ઞા અને વિશેષણ મૂળ કે સાદાં અને સાધિત એટલે અન્ય પદને પ્રત્યય લાગીને બનેલાં હોઈ શકે. 

આખ્યાતિક પદના બે વિભાગો પડે છે

જે પદો કર્મ લેતાં નથી તે અકર્મક; દા.ત., પડ , દોડ વગેરે અને બાકીનાં બધાં સકર્મક હોય છે. કેટલાંક આખ્યાતિક પદી એવાં હોય છે, જે ક્રિયાપદ તરીકે આવતો નથી અથવા આવે છે. ત્યારે પણ સંજ્ઞા વિશેષણ, ક્રિયા વિશેષણ તરીકે કામ કરે છે . તેને કૃદંત કહેવામાં આવે છે.

જ્યારે બીજાં કેટલાંક આખ્યાતિક રૂપો કેવળ ક્રિયાપદ તરીકે જ આવે છે. કૃદંતોના અનેક પ્રકારો છે. ગુજરાતી ભાષામાં કેટલાક સંયોજકો એક ઘટકવાળા હોય છે; દા.ત.  ને, અને, તથા, પણ, કે, એટલે, તો વગેરે. તો કેટલાક બે ઘટકોવાળા હોય છે; દા.ત. તેમ જ, એટલે કે, કારણ કે વગેરે. સંયોજકોના અર્થદષ્ટિએ અનેક પ્રકારો પડે છે. વળી કેટલાક પદપ્રકારો દ્વિરુક્ત રૂપે કે સમાસ રૂપે આવી શકે છે. ‘દ્વિરુક્ત’ એટલે બે વાર બોલાયેલું. દ્વિરુક્તિ અર્થની હોય; દા.ત., ‘નોકરચાકર'. એ રીતે શબ્દ કે ધ્વનિની પણ હોઈ શકે : જેમ કે ‘ગરમાગરમ’, ‘વાહવાહ’, ‘ટપટપ’, ‘છમછમ' વગેરે. 

સમાસના મુખ્ય ત્રણ પ્રકાર છે 

1. સર્વપદપ્રધાન : જેમ કે , કેન્દ્ર સમાસ : સેવાપૂજા ; 2. પૂર્વપદપ્રધાન; જેમ કે, તપુરુષ સમાસ : મનગમતું ; 3. ઉત્તરપદપ્રધાન; જેમ કે, ઉપપદ સમાસ : જડબાતોડ વગેરે. 

વાક્ય રચના અને પ્રકારો

પદના આધારે વાક્ય બને છે. વાક્યમાં ક્રિયાપદ, કર્તા, કર્મ, પૂરક પદ અને પદોનાં વર્ધક પદો આવે છે. જોકે આ બધાં જ પદો એક વાક્યમાં આવે એવું અનિવાર્ય નથી. કર્તાપદ (નામપદ) અને ક્રિયાપદ (આખ્યાતપદ) – એ બે જ વાક્યના મહત્ત્વના ઘટકો છે, અન્ય સર્વ ઘટકો એ બેના વિસ્તાર રૂપે આવે છે, કેટલીક વાર તો એ બેમાંથી એક અધ્યાહ્નત હોય તો પણ ચાલી શકે;  દા.ત. 'આવો' માં કર્તાપદ અધ્યાહ્નત છે, તો ‘આ મારી ચોપડી' , 'મા એટલે મા' જેવી વાક્યરચનામાં ક્રિયાપદ અધ્યાહત છે. સામાન્ય રીતે વાક્યરચનામાં કર્તા, ગૌણ કર્મ, મુખ્ય કર્મ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ એ રીતે ક્રમ ગણી શકાય. પણ આ ક્રમ ચુસ્તપણે બધે જળવાતો હોતો નથી. 

વાક્યરચનાના વિધાનવાક્ય , પ્રશ્નવાક્ય અને ઉદ્ગારવાક્ય એ ત્રણ પાયાના પ્રકારો છે. વળી વાક્ય સાદું પણ હોઈ શકે અને સંકુલ પણ ; જેમ કે , ‘હું મઝામાં છું.' એ સાદું વાક્ય છે અને ‘તમે આવ્યાં તેથી હું મઝામાં છું.’ એ સંકુલ વાક્ય છે. ક્યારેક એકથી વધુ વાક્યો એકસાથે જોડાઈ શકે છે; દા.ત., ‘બા ઘણી વાર ચિડાઈને કહેતી કે આટલો મોટો ઘોડા જેવો થયો છે ને હજી પોતાને હાથે જમતો નથી!' શબ્દ તેમ જ વાક્યમાં સ્વરભારનું પણ યથાભાવસંદર્ભ કામ કરતું હોય છે.


👉 બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની ના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ : રાખનું પંખી

▪️નામ અને તેના પ્રકારો-  Click here

▪️સર્વનામ -  Click here
▪️કરિયાપદ -  Click here
▪️વિશેષણ -  Click here
▪️કરિયા વિશેષણ -  Click here
▪️વાક્ય રચના -  Click here
▪️વાક્ય રચનાના પ્રકારો- Click here
▪️વિરામચિહ્નો ભાગ ૧- Click here
▪️વિરામચિહ્નો ભાગ ૨- Click here

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.